નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે ભાજપના સાંસદ તેમને જોઈને 2 ડગલાં પાછળ હટી જાય છે. તેમણે કહ્યું કે આજકાલ ભાજપના નેતાઓને ડર લાગે છે કે ક્યાંક હું તેમને ભેટી ન પડું. અત્રે જણાવવાનું કે ગત અઠવાડિયે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે પોતાના સંબોધન બાદ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવી લેતા બધા સ્તબ્ધ થઈ ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી અચાનક પીએમ મોદીને ભેટી પડતા ભાજપના અનેક નેતાઓએ તેમની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના નેતાઓના વિચારો તેમનાથી અલગ હોઈ શકે છે પરંતુ તેઓ આમ છતાં તેમને નફરત કરતા નથી. એક પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કહ્યું કે તમે તમારી પૂરેપૂરી તાકાતથી કોઈનો વિરોધ કરી શકો છો પંરતુ તેમને નફરત કરવી એ તમારી અંગત ચોઈસ છે અને મને લાગે છે કે આ સમજવું જરૂરી છે. 


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હું અડવાણીજીથી અસહમત હોઈ શકું છું અને દેશ પ્રતિ મારા વિચારો પણ તેમનાથી અલગ હોઈ શકે છે. હું અડવાણીજીનો પૂરજોશમાં વિરોધ કરી શકું છું પરંતુ મારે તેમને નફરત કરવાની કોઈ જરૂર નથી. પુસ્તક વિમોચનના પ્રસંગે રાહુલ ગાંધી ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ હાજર હતાં.